હાર્ટની હેલ્થ વિશે તમે કઈ-કઈ માન્યતાઓ ધરાવો છો …8 માન્યતા વિશે ખાસ વાંચવું….અને એ કેટલી સાચી છે એ ચકાસો

હાર્ટ-હેલ્થને સાચવવી અત્યંત જરૂરી છે. આ બાબતે કોઈ ગફલતમાં રહેવાને બદલે માન્યતાઓને ચકાસીએ અને હકીકતને સમજીએ

જિગીષા જૈન

હાર્ટને હેલ્ધી રાખવાની જવાબદારી દરેકે પોતે સ્વીકારવાની છે. હાર્ટ-પ્રૉબ્લેમ્સ આજના સમયમાં મૃત્યુ માટે જવાબદાર રોગોમાં સૌથી પહેલા નંબરનો રોગ છે ત્યારે આ બાબતે કોઈ ગફલત ચલાવી ન શકાય. ઘણી માન્યતાઓ છે આ રોગ વિશે, જે ખોટી પુરવાર થાય છે. આ ખોટી માન્યતાઓને કારણે આપણી હાર્ટ-હેલ્થ ખરાબ થાય એ યોગ્ય ન કહેવાય. પૂરતી જાણકારી આપણને રોગોથી બચાવી શકે છે. વૉકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની અને ક્રિટિકૅર હૉસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા પાસેથી જાણીએ આપણી માન્યતાઓ પાછળની હકીકત.

1. માન્યતા : હાર્ટને હેલ્ધી રાખવા માટે સખત એક્સરસાઇઝ કરવી જરૂરી છે

હકીકત : હાર્ટને હેલ્ધી રાખવા માટે એક્સરસાઇઝ કરવી જરૂરી છે, પરંતુ સખત એક્સરસાઇઝ નહીં. ૩૦-૪૫ મિનિટની સાદી એક્સરસાઇઝ જેમ કે ચાલવું, યોગ, ફાસ્ટ નહીં; નૉર્મલ સાઇક્લિંગ કે સ્વિમિંગ અઠવાડિયામાં પાંચ દિવસ માટે કરો તો હાર્ટ-હેલ્થ માટે ઘણું થઈ પડે છે. જોકે આ નિયમ હેલ્ધી વજન ધરાવતા લોકોને લાગુ પડે છે. જે લોકો ઓબીસ છે તેમણે તેમનું વજન ઓછું કરવા માટે વધુ એક્સરસાઇઝ કરવી પડી શકે છે. પરંતુ એક સામાન્ય માણસ માટે અઠવાડિયાના પાંચ દિવસ ૩૦-૪૫ મિનિટની એક્સરસાઇઝ ઘણી થઈ કહેવાય.

2. માન્યતા : તેલ-ઘી ખાવાથી કૉલેસ્ટરોલનો પ્રૉબ્લેમ આવી શકે છે

હકીકત : ઘણા લોકો માને છે કે તેલ કે ઘીના ઉપયોગથી કૉલેસ્ટરોલની તકલીફ આવે છે. એટલે ડરીને એનો ઉપયોગ જ બંધ કરી દે છે. જેટલાં પણ વેજિટેરિયન તેલ છે એટલે કે મગફળી, કપાસ, નારિયેળ, સૂર્યમુખી વગેરેમાંથી બનતાં તેલથી ક્યારેય કૉલેસ્ટરોલની તકલીફ આવતી નથી. જોકે એનો અર્થ એ નથી કે એનો અતિરેક કરો. શરીરને ફૅટ્સની જરૂર રહે જ છે. એક સામાન્ય વ્યક્તિ દિવસમાં ચાર ચમચી ફૅટ એટલે કે તેલ કે ઘી ખાઈ શકે છે. એમાં બે ચમચી ઘી કે બે ચમચી તેલ એમ ખાઈ શકે છે. ઍવરેજ ૨૫ ગ્રામ જેટલું તેલ વાપરી શકાય. ઘીને ઘણી જ સારી ફૅટ માનવામાં આવે છે. એનાથી ભાગવાને બદલે દરરોજ બે ચમચી ખાવાનું શરૂ કરવું જોઈએ.

3. માન્યતા : ફૅટ્સ ખાવાને કારણે જ કૉલેસ્ટરોલની તકલીફ આવે છે

હકીકત : તમે જે ખોરાક લો છો એમાંથી શરીરને જે ફૅટ્સ મળે છે એને કારણે જે કૉલેસ્ટરોલ આવે છે એ તો ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. કૉલેસ્ટરોલ અત્યંત જરૂરી પદાર્થ છે શરીર માટે. જેટલું કૉલેસ્ટરોલ જરૂરી છે એમાંથી ૮૦ ટકા કૉલેસ્ટરોલ લિવર બનાવે છે અને બાકીનું વીસ ટકા કૉલેસ્ટરોલ ફૂડમાંથી મળે છે. જો તમારું લિવર સારું કામ કરતું હોય તો કૉલેસ્ટરોલ પ્રૉબ્લેમ આવવાની શક્યતા નહીંવત હોય છે. લિવરને હેલ્ધી રાખવા માટે જરૂરી છે કે વજન પર નિયંત્રણ રાખવું અને સાથે-સાથે આલ્કોહૉલનું સેવન ન જ કરવું. આ ઉપરાંત કૉલેસ્ટરોલનો પ્રૉબ્લેમ જિનેટિક પણ હોઈ શકે છે. વળી લાઇફ-સ્ટાઇલ સંબંધિત તકલીફો હોય; જેમ કે સ્ટ્રેસ, બેઠાડુ જીવન, અપૂરતી ઊંઘ તો પણ કૉલેસ્ટરોલની તકલીફ આવી શકે છે.

4. માન્યતા : હાર્ટને હેલ્ધી રાખવું હોય તો હંમેશાં ફૅટ-ફ્રી ખોરાક જ ખાવો જોઈએ

હકીકત : જેવી રીતે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સની જરૂર શરીરને છે એમ ફૅટ્સની પણ જરૂર શરીરને છે. અમુક પ્રકારની ફૅટ્સ સારી અને હેલ્ધી ગણવામાં આવે છે, જે નિયંત્રિત પ્રમાણમાં લેવી જ જોઈએ. જેમ કાબ્સર્‍ વધુ ખાઈએ તો પ્રૉબ્લેમ, પ્રોટીન વધુ લઈએ તો પણ પ્રૉબ્લેમ એ જ રીતે ફૅટ્સ વધુ લઈએ તો જ પ્રૉબ્લેમ રહે છે. વળી સારી ફૅટ્સ જેમ કે ઘી, ડ્રાયફ્રૂટ્સ, જાતજાતનાં બીજ વગેરે ગુડ ફૅટ્સમાં ગણાય છે; જે શરીરને મદદરૂપ છે. જ્યારે સેચ્યુરેટેડ ફૅટ્સ કે ટ્રાન્સફૅટ્સ હાનિકારક રહે છે. જેટલાં પણ બહારનાં પૅકેટ ફૂડ્સ હોય છે એમાં આ પ્રકારની હાનિકારક ફૅટ્સ જોવા મળે છે. લેબલ જોઈને ખરીદવું એટલા માટે જરૂરી છે. તેલનો ફરી-ફરીને ઉપયોગ એમાં આ પ્રકારની હાનિકારક ફૅટ્સ ઊભી કરે છે. આમ ફૅટ-ફ્રી નથી ખાવાનું. ફૅટ્સ ખાવાની, પરંતુ જે લાભદાયક છે એ જ. નુકસાનકારક ફૅટ્સ ન ખાવી.

5. માન્યતા : દૂબળા લોકોને હાર્ટ-અટૅક આવતા નથી હકીકત : જે મેદસ્વી છે તેમના પર

હાર્ટ-અટૅકનું રિસ્ક વધુ રહે છે, પરંતુ એનો અર્થ એમ નથી કે દૂબળા લોકોને અટૅક આવતા નથી. દૂબળા હોવા છતાં જે બેઠાડુ જીવન જીવે છે તેમના પર હાર્ટ-અટૅકનું રિસ્ક ૪૦ ટકા જેટલું વધારે હોય છે. વ્યક્તિ દૂબળી હોય, પરંતુ સ્મોકિંગની ખરાબ ટેવ હોય તો હાર્ટ-અટૅકનું રિસ્ક વધુ જ રહે છે. આ સિવાય દૂબળા લોકોને કૉલેસ્ટરોલ પ્રૉબ્લેમ પણ હોય છે. જેમનું પણ કૉલેસ્ટરોલ બૅલૅન્સમાં ન હોય, બ્લડ-પ્રેશર કાબૂમાં ન રહેતું હોય અને શુગર પર કન્ટ્રોલ ન હોય એવા દૂબળા લોકોને અટૅક આવી શકે છે. આ ઉપરાંત આ બધી તકલીફો કાબૂમાં હોય, પરંતુ ૧૦-૨૦ વર્ષથી આ તકલીફો હોય તો પણ અટૅક આવવાનું રિસ્ક રહે જ છે. એટલે દૂબળા લોકોએ પણ સાવધાન રહેવું.

6. માન્યતા : સ્ત્રીઓને હાર્ટ-અટૅક આવતા નથી

હકીકત : સ્ત્રીની અંદર રહેલાં સ્ત્રીનાં હૉર્મોન તેના હાર્ટનું રક્ષણ કરે છે અને એટલે જ એવું માનવામાં આવે છે કે હાર્ટ-અટૅકનું રિસ્ક પુરુષ કરતાં સ્ત્રીઓ પર ઓછું હોય છે. પરંતુ જ્યાં સુધી તેનું માસિક ચાલુ છે ત્યાં સુધી જ. ૫૦ વર્ષ કે મેનોપૉઝ આવી ગયા પછી હાર્ટ-અટૅકનું રિસ્ક પુરુષ અને સ્ત્રી બન્ને પર સરખું જ હોય છે. વળી આજકાલ ૨૮-૩૦ વર્ષની ઉંમરની સ્ત્રીઓને પણ અટૅક આવી રહ્યા છે, જે ભલે પુરુષોની સરખામણીમાં ઓછા છે; પરંતુ પહેલાં એક સમય હતો કે ૫૦ વર્ષથી નીચેની સ્ત્રીને હાર્ટ-અટૅક આવતા જ નહીં. જોકે આજે આવે છે. એનો અર્થ એ કે સ્ત્રી પણ સંપૂર્ણ સુરક્ષિત નથી. એટલે જરૂરી છે કે સ્ત્રીઓ પણ આ બાબતે જાગૃત રહે. ઊલટું એવું પણ છે કે સ્ત્રીઓના મૃત્યુઆંકમાં સૌથી પહેલું કારણ હાર્ટ-અટૅક જ આવે છે. સ્ત્રીઓમાં જોવા મળતા બ્રેસ્ટ-કૅન્સર જેવા સામાન્ય રોગને પણ હાર્ટ-અટૅકે પાછળ છોડી દીધો છે.

7. માન્યતા : હાર્ટ-અટૅક આવે એટલે હાર્ટ ધબકતું બંધ થઈ જાય છે

હકીકત : હાર્ટ-અટૅક આવે ત્યારે હાર્ટ બંધ નથી થતું. આખા શરીરમાંથી હાર્ટને જે લોહી પહોંચે છે એ લોહી કોઈ જગ્યાએ અટકતું હોવાને કારણે ઓછું લોહી હાર્ટ સુધી પહોંચે છે, જેને કારણે હાર્ટને ઑક્સિજન મળવાનું ઘટી જાય છે. એ ઘટવાને કારણે હાર્ટનો કોઈ એક ભાગ અસરગ્રસ્ત થાય છે અને હાર્ટનો એ ભાગ કામ કરવાનું બંધ કરી દે છે. હાર્ટ પણ એક સ્નાયુ જ છે. એ સ્નાયુનો એક ભાગ જે ખરાબ થઈ જાય પછી એને ફરી કાર્યરત કરી શકતો નથી. જ્યારે હાર્ટ સાવ બંધ થઈ જાય એને કાર્ડિઍક અરેસ્ટ કહે છે. હાર્ટ-અટૅક અને કાર્ડિઍક અરેસ્ટ એ બે જુદી વસ્તુ છે.

8. માન્યતા : હાર્ટ-અટૅક આવે ત્યારે એકદમ જ આવે છે, ચિહ્નો જોવામળતાં નથી

હકીકત : અમુક દુર્ભાગ્યપૂર્ણ કેસ એવા હોય છે, જેમાં કોઈ જ ચિહ્નો વગર હાર્ટ-અટૅક આવે છે. પરંતુ મોટા ભાગે કોઈ ને કોઈ ચિહ્નો તો જોવા મળે જ છે. ઘણી વાર અટૅકના ૨-૩ દિવસ કે અઠવાડિયા પહેલાંથી કે સદ્ભાગ્યે મહિના પહેલાંથી અમુક ચિહ્નો જોવા મળતાં હોય છે. જો તમે આ ચિહ્નો વિશે જાગૃત હો તો જ સમજાય છે કે આ ચિહ્નો તમને શું કહેવા માગે છે. આ રીતે તમે અટૅકથી બચી પણ શકો છો. મોટા ભાગે હાર્ટ- અટૅકનું જે સામાન્ય ચિહ્ન છે એ છે છાતીમાં દુખાવો. પરંતુ જરૂરી નથી કે હંમેશાં એ જ ચિહ્ન સામે આવે. આ સિવાય શ્વાસમાં તકલીફ, ટૂંકા શ્વાસ, ઊલટી જેવું લાગવું, પરસેવો વળી જવો, જડબાં કે પીઠમાં સખત દુખાવો ઊપડવો વગેરે ચિહ્નો દેખાય છે.

Source

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!