ગોંડલના યુવાને માંગી જન્મદિવસની ગીફ્ટ “પપ્પા, તમારી દારૂની પરમીટ જમા કરાવી દો” – પિતા પુત્રની કહાની વાંચો

0

પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનું ગોંડલ અનેક રીતે અનોખું છે. ભગવતભૂમિ ગોંડલમાં રહેતા એક તરુણની આજે વાત કરવી છે. આ છોકરાનું નામ છે અભિ સાટોડિયા.

આજથી બે વર્ષ પહેલા અભિનો 16મો જન્મદિવસ હતો. આજના કોઈ પણ કિશોરને જન્મદિવસે કેવી ભેટની અપેક્ષા હોય ? બાપાની સ્થિતિ સામાન્ય હોય તો પણ જન્મદિવસની ભેટ તરીકે સ્માર્ટફોનની માંગણી મુકવામાં આવે. જો બાપાની આર્થિક સ્થિતિ સારી હોય તો બાઇક માંગવામાં આવે. બાપાએ પૈસા કમાવા જાતને કેવી ઘસી નાંખી છે એ વિચાર ના આવે પણ જો માંગ ના સંતોષાય તો બાપા પ્રત્યે રોષ જરૂર જન્મે.

અભિના પિતા આર્થિક રીતે સુખી-સમૃદ્ધ છે આથી દીકરાની બધી જ માંગ સંતોષાય એ સ્વાભાવિક છે. તે સમયે 12માં ધોરણમાં અભ્યાસ કરતા અભીએ એના પિતા પાસે અનોખી ગિફ્ટ માંગી. સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં એક લાઈબ્રેરી તૈયાર કરી આપવા માટે એણે એના પિતાને વિનંતી કરી.

પિતાને પણ દીકરાનો આ ઉમદા વિચાર ગમ્યો અને 7 લાખ 50 હજારના ખર્ચે એક સુંદર લાઈબ્રેરી તૈયાર થઇ જે ગોંડલના લોકોઆતે સાર્વજનિક રીતે ખુલ્લી મુકવામાં આવી. જો તમારે સમાજમાં સુધારાઓ લાવવા હોય તો માણસોના વિચારો બદલવાથી જ લાવી શકાશે અને વિચારો બદલવાનું કામ પુસ્તકો કરે છે એવું માનતા આ કિશોરે માત્ર 16 વર્ષની ઉંમરે ગોંડલની જનતાને એક લાઈબ્રેરીની ભેટ આપી.

આગામી 14મી મેના રોજ એનો 18મો જન્મદિવસ છે. હવે આ છોકરો સરકારી વ્યાખ્યા પ્રમાણે પુખ્તવયનો બની જશે. અભિએ એના 18માં જન્મદિવસની ભેટ કરીકે પિતા પાસે એક જુદા જ પ્રકારની માંગણી મૂકી છે. અભિના પિતા જગદીશભાઇ સાટોડિયા પાસે દારૂની કાયદેસરની પરમિટ છે. અભિએ એના પપ્પા પાસેથી જન્મદિવસની ભેટ તરીકે દારૂની પરમિટ સરકારમાં જમા કરાવી દેવાની માંગણી મૂકી.

કોઈપણ પિતાને આવા દીકરા પર ગૌરવ હોય એ સ્વાભાવિક છે. જગદીશભાઈએ પણ દીકરાની વાતનો સહર્ષ સ્વીકાર કર્યો અને દારૂની પરમિટ સરકારને પરત કરવાનું વચન આપ્યું. આજે દિવસે દિવસે યુવાનો દારૂના વિષચક્રમાં ફસાતા જાય છે ત્યારે અહી તો એક દીકરાએ પિતાને આ વિષચક્રમાંથી બહાર કાઢવાનો સંકલ્પ કર્યો અને એમાં એ સફળ પણ રહ્યો.

આ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે પંચામૃત કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં રક્તદાન કેમ્પ, પુસ્તકમેળો, વ્યસનમુક્તિ અભિયાન, ચક્ષુદાન કેમ્પ અને ફ્રાફ્ટ-આર્ટ મેળાનું આયોજન કર્યું છે. અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરનાર અને સમાજને નવી દિશા બતાવનાર અભિ સાટોડિયાને એડવાન્સમાં જન્મદિવસની શુભેચ્છાઓ.

લેખક – શૈલેષ સગપરીયા સાહેબ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here