દુઃખ : એક ઈશ્વરીય સંકેત – શૈલેષભાઇ સગપરિયાની પ્રેરક વાર્તા

એક ભાઇને બોર ખુબ ભાવે. માણસોને કેરી ભાવે પણ આ ભાઇને બોર કેરી કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે. બોર જોઇને એ પોતાની જાતને રોકી જ ન શકે. એકદિવસ આ ભાઇ એના એક મિત્રની વાડીએ ગયા. મિત્રની વાડીમાં બોરડી પણ વાવેલી અને ખુબ સારા બોર આવેલા. પેલા ભાઇ તો સીધા જ બોરડી પાસે પહોંચી ગયા અને જાણે કે સાત જન્મના ભૂખ્યા હોય એમ બોર પર તુટી પડ્યા.

ઉતાવળે- ઉતાવળે બોર ખાવામાં બોરનો ઠળીયો અંદર જતો રહ્યો. ઠળીયો જો પેટમાં ઉતરી ગયો હોત તો તો બીજો કોઇ વાંચો નહોતો પરંતું એ અન્નનળીમાં ક્યાંક ફસાઇ ગયો. ઠળીયો ન તો બહાર આવે કે ન તો અંદર જાય. પેલા ભાઇ બરોબરની તકલીફમાં મુકાયા. આંખમાંથી આંસુ ચાલ્યા જાય અને કંઇ બોલી પણ ન શકાય. થોડીવાર પહેલાની મજા હવે સજામાં ફેરવાઇ ગઇ.

મિત્રની પરિસ્થિતી જોઇને ખેતરના માલીક એમના મિત્રને પોતાની ગાડીમાં લઇને હોસ્પીટલ પહોંચ્યા. ડોકટર દ્વારા તપાસ કરવામાં આવી પણ ઠળીયો ક્યાં સલવાયો છે તેની કંઇ ખબર પડતી નહોતી. ઠળીયાનું સ્થાન જાણવા માટે રેડીયોલોજીસ્ટ ડોકટરની સેવા લેવાનું નક્કી કરવામાં આવ્યુ અને દર્દીને રેડીયોલોજીસ્ટને ત્યાં રીફર કરવામાં આવ્યા.

રેડીયોલોજીસ્ટ ડોકટરે તમામ પ્રકારના ટેસ્ટ કર્યા અને ઠળીયા ક્યાં અટવાયો છે એ શોધી કાઢ્યુ. તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યુ અને ઠળીયો બહાર કાઢવામાં આવ્યો. એક નાનો ઠળીયો ગળામાં ફસાવાથી ભોગ બનનાર માણસને દિવસે તારા દેખાઇ ગયા અને એણે આવુ દુ:ખ આપવા માટે ભગવાનને ખુબ સંભળાવ્યુ.

અન્નનળીમાં ફસાયેલ ઠળીયો તો બહાર નીકળી ગયો પણ રેડીયોલોજીસ્ટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એક બીજી ગંભીર વાત બહાર આવી. તંદુરસ્ત દેખાતા આ ભાઇને કેન્સર પણ હતું. હજુ કેન્સર બીજા સ્ટેજ પર હતું એટલે એની યોગ્ય સારવાર ચાલુ કરી દીધી અને અમુક સમય પછી એ કેન્સર મુક્ત થઇ ગયા. જો આ ભાઇના ગળામાં ઠળીયો ન ફસાયો હોત તો એને કેન્સરની ખબર જ ન પડત અને કદાચ એ ભાઇ લાંબુ જીવી પણ ન શકત.

મિત્રો, જીવનમાં આવતા પ્રશ્નો અને દુ:ખો માત્ર અને માત્ર આપણને તકલીફ આપવા જ નથી આવતા ઘણીવખત આવા દુ:ખો કંઇક નવી ભેટ આપવા કે જીવનમાં નવો પાઠ શીખવવા પણ આવે છે. આપણે માત્ર આવી પડેલા દુ:ખને યાદ કરીને રડ્યા કરીએ છીએ પણ નાનકડા દુ:ખના બદલામાં ભવિષ્યમાં આવનારા કોઇ મોટુ દુ:ખ દુર થઇ ગયુ છે એની ખબર જ નથી. પ્રશ્નો અને પડકારો નુકસાનકારક જ નહી લાભદાયી પણ હોય છે.

લેખક=શૈલેષભાઈ સગપરીયા

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!