ભારતને સળગાવીને ભાખરી શેકનારાઓ – સૌરભ શાહ નો Sunday Morning આર્ટીકલ વાંચો

ભારતને સળગાવીને ભાખરી શેકનારાઓ

_સન્ડે મૉર્નિંગ_ – *સૌરભ શાહ*

( _મુંબઇ સમાચાર_ : રવિવાર, 3 ડિસેમ્બર 2017)

આ દેશમાં છાશવારે દલિતો પર હુમલા થતા રહે છે. એનું ખરું કારણ તપાસવાની કોશિશ કરી છે ક્યારેય? ધારો કે ટ્રેનમાં બીજા કોઈ મુસાફરની રિઝર્વ્ડ સીટ પર એક દલિત કબજો જમાવીને બેસી ગયો અને ગુસ્સે ભરાયેલા પેલા પેસેન્જરે એને બે અડબોથ લગાવી દીધી તો એ દલિત પરનો હુમલો થઈ ગયો. પણ એ રીતે જો કોઈ દલિતના હક્કની રિઝર્વ્ડ બેઠક પર બિનદલિતે કબજો જમાવી દીધો અને દલિત પેલા બિનદલિતને બે અડબોથ લગાવી દીધી તો સમાચાર હુમલાના સમાચાર નહીં બને, પરંતુ ‘દલિતના હક્ક પર તરાપ’ મારવાના સમાચાર બનશે.

ભારતમાં દલિતો પર ‘અત્યાચાર’ થાય છે એવા ‘સમાચારો’ વીણી વીણીને મીડિયા સુધી પહોંચાડવા માટેનું ષડ્યંત્ર દાયકાઓથી ચાલતું આવ્યું છે. આવું ષડ્યંત્ર ચલાવવાવાળી સંસ્થાઓને મસમોટા પૈસા મળે છે. આમાંના મોટાભાગના પૈસા વિદેશથી આવે છે અને બાકીના પૈસા ભારતમાંથી જ તમારા જેવા ભોળા નાગરિકોને ઉલ્લુ બનાવીને ઉઘરાવવામાં આવે છે. આદિવાસી, પછાત જાતિઓ, પછાત વિસ્તારના લોકો કે દલિતો વગેરેનું કલ્યાણ કરવાનો દાવો કરતી વિવિધ સંસ્થાઓમાં હોંશે હોંશે ડોનેશન આપતા આપણા ભોળા ભારતીયોને ખબર નથી હોતી કે એમના પૈસાનો કેવો દુરુપયોગ થાય છે. આ સંસ્થાની મલાઈ ખાઈને તગડા થયેલા કાર્યકરો પોતાની ભાખરીઓ શેકાતી રહે એ માટે કલ્યાણકાર્યો કરવાના ઓઠા હેઠળ જેમને મદદ કરવાનો દાવો કરે છે એમને ભારત વિરુદ્ધ, આપણા વિરુદ્ધ ઉશ્કેરવાનું કામ કરે છે. આ કામ અત્યંત ચાલાકીપૂર્વક થાય છે. એમના મનમાં અસંતોષનું બીજ રોપવામાં આવે છે. ભારતીય સમાજ તમને અન્યાય કરી રહ્યો છે એવું ઝેર એમના મનમાં રેડવામાં આવે છે. વખત જતાં આ વિષભર્યું વૃક્ષ ઘનઘોર બને છે ત્યારે એમાંથી અનેક ક્ધહૈયાઓ-હાર્દિકો-અલ્પેશો-જિજ્ઞેશો પાકે છે અને તેઓ ખુલ્લેઆમ આ દેશની સરકારોને ભાંડવાનું કામ કરે છે.

પરદેશોમાં પણ ત્યાંની લઘુમતીઓને આ જ રીતે ઉશ્કેરીને સહાનુભૂતિ ઉઘરાવી ફંડફાળા કરવામાં આવે છે. કર્લ્ડ પ્રજા (જેને બ્લૅક કે નિગ્રો પીપલ તમે કહી શકતા નથી) સતત અન્યાયનો સામનો કરતી રહે છે એવા પ્રચાર હેઠળ એ પ્રજામાંના કેટલાક લોકો જે દેશહિત વિરોધી કાર્ય કરતા હોય એને છાવરવામાં આવે છે. કેવાં દેશહિત વિરોધી કાર્યો? ડ્રગ્સનો વેપાર, સ્ત્રીઓની દલાલી, સશસ્ત્ર લૂંટ, મહોલ્લાઓમાં દાદાગીરી અને નાનાં મોટાં શસ્ત્રોના સોદાઓ.

ભારતમાં નકસલવાદ, માઓવાદ, દલિતઅસંતોષ, લઘુમતીઉશ્કેરણ અને સરકાર વિરુદ્ધનો મત ફેલાવવાની પ્રવૃત્તિઓ કરનારી સંસ્થાઓને મીડિયા જોડે સાઠગાંઠ હોય છે. આ સંસ્થાઓ મીડિયાના ખભા પર બંદૂક મૂકીને ભારતીય સમાજની એકતાને ટાર્ગેટ બનાવે છે. મીડિયા હોંશેહોશે પોતાનો ખભો આવા લોકોની બંદૂકોને ટેકો પૂરો પાડે છે. મીડિયામાં કામ કરનારા કેટલાક લોકોનો આમાં વેસ્ટેડ ઈન્ટરેસ્ટ હોય છે. સંસ્થાઓ સાથે એમની ભાગીદારી હોય છે. એમના દ્વારા આપણા સુધી આવા સમાચારો પહોંચે છે ત્યારે આપણે આપણા જ દેશ પર થુથુ કરતા થઈ જઈએ છીએ કે કેવા પછાત દેશમાં આપણે રહીએ છીએ. આપણે આવું વિચારતા થઈ જઈએ એ જ એમનું લક્ષ્ય હોય છે. ગઈ કાલ સુધી આપણને જે લોકો માટે કોઈ દ્વેષ નહોતો એમના માટે ઝેરીલું વર્તન કરવા મીડિયાના આવા સમાચારો આપણને ઉશ્કેરે છે.

દલિતો વગેરેની લૉબી ઉપરાંત એક લૉબી વેટિકનનાં નાણાં પામતી ખ્રિસ્તી સંસ્થાઓની છે જેમાંની એકને ગુજરાતના ચૂંટણી પંચે હમણાં જ નોટિસ મોકલી. બન્યું એવું કે ગાંધીનગર સ્થિત ખ્રિસ્તી ધર્મની સંસ્થાના વડા આર્કબિશપ થોમસ મૅક્વાને રાજ્યના બીજેપી શાસનને આડકતરી રીતે ટાર્ગેટ કરતાંએક ભયંકર ઝેરીલું કોમી સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું જેની ચૂંટણી પંચે ગંભીર નોંધ લઈને થોમસ મૅક્વાન પાસે જવાબ માગ્યો કે આવી ઉશ્કેરણી કરવાનું કારણ શું. પાદરી ધર્મગુરુ મૅક્વાને એક સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ગુજરાત રાજ્યના ખ્રિસ્તીઓએ ચર્ચોમાં પ્રાર્થનાસભાઓનું આયોજન કરવું જોઈએ જેથી ગુજરાત વિધાનસભામાં એવી જ વ્યક્તિઓ ચૂંટાય જે ભારતના બંધારણને વફાદાર હોય અને કોઈ જાતના ભેદભાવ વિના સૌનો આદર કરે. આ દેશની લોકશાહી અત્યારે જોખમમાં છે, કારણ કે લઘુમતીઓ, ઓબીસી, બૅકવર્ડ ક્લાસ, ગરીબો વગેરે અસલામતી અનુભવી રહ્યા છે. આ ચૂંટણીનાં પરિણામોની દૂરગામી અસરો આપણા પ્રિય દેશના ખૂણેખૂણે પડઘાવાની અને દેશનું ભાવિ પણ નક્કી કરવાની. આપણે જાણીએ છીએ કે આ દેશનાં સેક્યુલરિઝમ અને લોકશાહી જોખમમાં છે. માનવીય હક્કોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. બંધારણીય હક્કોને કચડી નાખવામાં આવી રહ્યા છે. ચર્ચ પર, ચર્ચના લોકો પર અને ચર્ચમાં શ્રદ્ધા રાખનારા વફાદારો પર હુમલો ન થયો હોય એવો એક પણ દિવસ જતો નથી.

ખ્રિસ્તીઓની ખુલેઆમ ઉશ્કેરણી કરતા આર્કબિશપ મૅક્વાનનું આ નિવેદન વાંચીને ગુજરાતની આમ પ્રજાને અને ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકોને-સૌ કોઈને ધક્કો લાગ્યો. ખ્રિસ્તીઓ ગુજરાતમાં જ નહીં, આખા દેશમાં જ્યાં જ્યાં છે ત્યાં શાંતિથી સૌની સાથે હળીમળીને રહે છે. પણ એમના ધર્મગુરુઓ વાર-તહેવારે એમને ઉશ્કેરવાની કોશિશ કરીને એમના સમાજના લીડર બનવાના હવાતિયાં મારતા રહે છે. વેટિકનના આદેશથી ભારતમાં દીવાસળી ચાંપતા કેટલાક દેશદ્રોહીઓને સીધાદોર કર્યા સિવાય છૂટકો નથી. શાંત જળમાં કાંકરીચાળો કરનારાઓને ચૂંટણી પંચે નોટિસ ફટકારી ત્યારે સામેથી કહેવામાં આવ્યું કે ના, ના, અમારો એવો કોઈ આશય નથી. અમે તો શાંતિ અને ભાઈચારો ફેલાવવા માટે આ નિવેદન કર્યું હતું.

મીઠી અને બેધારી ભાષા વાપરનારા આવા તમામ લોકોથી ગુજરાતે અને આખા રાષ્ટ્રે સતત સાવધાન રહેવું જોઈએ.

*કાગળ પરના દીવા*

સોક્રેટિસ અને જિસસ વચ્ચેનો તફાવત એ છે કે સોક્રેટિસના નામે કોઈનેય મોતને ઘાટ ઉતારવામાં આવ્યા નથી.

– ઈ. એલ. ડૉક્ટરો (૧૯૩૧-૨૦૧૫, અમેરિકન નવલકથાકાર)

*સન્ડે હ્યુમર*

પપ્પુ: હેં મમ્મી, બધા કહે છે કે ઈવીએમમાં સેટિંગ થઈ શકે છે, શું આ સાચી વાત છે?

મમ્મી: બેટા, ઈવીએમમાં સેટિંગ થતું હોત તો હું ત્રણ પર પૈસા વેસ્ટ કરું ખરી?

લેખક: સૌરભ શાહ

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!