ભગવાનનું ગણિત હમેશા સાચું અને સારું જ હોય – શ્રદ્ધા રાખજો !!

0

ગામડામાં રહેતા એક ખેડુત પાસે એક જાતવાન ઘોડો હતો. આખા પંથકમાં બધા એના આ ઘોડાના ખુબ વખાણ કરતા. કેટલાય ઘોડેસ્વારો આ ઘોડાના મો માંગ્યા દામ આપવા તૈયાર હતા પરંતું ખેડુત ઘોડો વેંચવા માંગતો નહોતો કારણકે એ ઘોડાને ખુબ પ્રેમ કરતો હતો.

એકદિવસ સવારે જાગીને એણે જોયુ તો એનો ઘોડો ગાયબ હતો. એણે ઘોડાને શોધવાના ખુબ પ્રયાસ કર્યા પણ ઘોડો ન મળ્યો. ગામના લોકોએ આ ખેડુતને કહ્યુ , “ ભાઇ, તમારા નસીબ ખરાબ છે કે તમારો જાતવાન ઘોડો ચોરાઇ ગયો.” ખેડુતે ગામ લોકોને કહ્યુ , “ મારા નસીબ ખરાબ છે કે સારા એ નક્કી કરનારો હું કે તમે કોણ ? કુદરતના આયોજનને સમજી શકવા માટે આપણે કોઇ સક્ષમ નથી.”

ગામ લોકો તો અંદરો અંદર વાતો કરતા જતા રહ્યા કે “ આ ડોહાનું ચસકી ગયુ છે એનો ઘોડો જતો રહ્યો એના આઘાતમાં આવી વાતો કરે છે.”. થોડા દિવસ પછી ઘોડો પાછો આવ્યો અને એની સાથે બીજા 10 જંગલી ઘોડાને લાવ્યો. ગામ લોકોને આ સમાચાર મળ્યા એટલે બધા ખેડુતને મળવા આવ્યા અને કહ્યુ , “ તમે તે દિવસે સાચુ કહેતા હતા. તમારા નસિબ ખરાબ નહી સારા છે અને એટલે આ ઘોડો બીજા 10 ઘોડાને પોતાની સાથે લાવ્યો છે.” ખેડુતે કહ્યુ, “ તમે હજુ તમે મારી વાત ને સમજી શક્યા નથી. આ ઘટના મારા સારા નસિબ છે એમ પણ ન કહી શકાય.”

થોડા દિવસ બાદ નવા આવેલા જંગલી ઘોડાને તાલીમ આપતી વખતે ખેડુતનો એકનો એક યુવાન દિકરો ઘોડા પરથી પડ્યો અને એના હાથ-પગ ભાંગી ગયા. ખેડુતનો એકમાત્ર આધાર પથારીવશ થઇ ગયો. ગામલોકો ખબર કાઢવા આવ્યા અને કહ્યુ , “ તમારી વાત બીલકુલ સાચી હતી. આ જંગલી ઘોડાઓ આવ્યા તે તમારા સારા નસિબ નહોતા જો ઘોડા ના આવ્યા હોત તો તમારો દિકરો સાવ સાજો નરવો હોત.તમારા નસિબ ખરાબ કે દિકરો ખાટલે પડ્યો.” ખેડુતે દુ:ખી થતા કહ્યુ , “ ભાઇઓ દિકરાના હાથપગ ભાંગ્યા તો એ મારા ખરાબ નસિબ છે એમ પણ ન કહેવાય કારણકે કુદરતના કાર્યનો તાગ કાઢવો મુશ્કેલ છે.”

થોડા સમય પછી યુધ્ધ જાહેર થયુ. સરકારના માણસો ગામમાં આવીને બધા જ યુવાનોને યુધ્ધમાં લડાઇ કરવા માટે ફરજીયાત લઇ ગયા પણ આ ખેડુતના દિકરાને છોડી દીધો કારણકે એ તો લડી શકે તેમ હતો જ નહી. ગામલોકો ફરી આ ખેડુતની ઘરે ગયા અને કહ્યુ , “ તમારા નસિબ સારા છે કે તમારા દિકરાના હાથપગ ભાંગ્યા કમસેકમ આ છોકરો તમારી નજર સામે તો છે.” ખેડુત ખડખડાટ હસવા લાગ્યો.

મિત્રો, જીવનમાં આવતા ચડાવ ઉતાર જીવન આપનારાએ ગોઠવેલા છે. જીવનમાં બનતી જુદી-જુદી ઘટના વખતે ‘ મારા નસિબ સારા છે’ કે ‘મારા નસિબ ખરાબ છે’ નો હર્ષ-શોક કરવાને બદલે કુદરતે નક્કી કરેલા પ્રવાહમાં જીવનનૌકાને મુકત રીતે વહેતી મુકવામાં આવે તો એની મજા કંઇક જુદી જ છે…

લેખક : શૈલેશ સગપરીયા

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here