બાળકો ખાશે આંગળાં ચાટી-ચાટી, ઘરે જ બનાવો 5 પ્રકારનાં મંચૂરિયન

વેજિટેબલ મંચુરિયન, ઇડલી મંચુરિયન, મશરૂમ મંચુરિયન, પનીર મંચુરિયન અને કોબીજ મંચુરિયનની સરળ અને ઝટપટ રેસિપિ

મોટાભાગનાં બાળકોને ચાયનીઝ બહુ જ ભાવતું હોય છે. તેમાં પણ મંચુરિયન તો નાનાંથી મોટાં બધાંને ભાવતાં જ હોય છે. શિયાળામાં તો બધાં શાકભાજી પણ આરામથી મળી રહે એટલે બનાવાની પણ મજા આવે. ઉપરાંત અંદર ભરપૂર પ્રમાણમાં શાકભાજી હોવાથી ફાસ્ટફૂડની સરખામણીમાં હેલ્ધી પણ બહુ અને ટેસ્ટી પણ ખરા. એટલે જ આજે અમે તમારા માટે લાવ્યા છીએ 5 પ્રકારનાં હેલ્ધી અને યમ્મી મંચુરિયન રેસિપિ…

નોંધી લો વેજિટેબલ મંચુરિયન, ઇડલી મંચુરિયન, મશરૂમ મંચુરિયન, પનીર મંચુરિયન અને કોબીજ મંચુરિયનની સરળ અને ઝટપટ રેસિપિ…

1. વેજિટેબલ મંચુરિયન

સામગ્રી:

2 કપ છીણેલા ગાજર, 2 કપ છીણેલી કોબીજ, 1 કપ છીણેલું ફ્લાવર, 1/4 કપ ક્રશ કરેલા વટાણા, 5થી 6 કળી લસણ, 1 ઝીણી સમારેલી લીલી ડુંગળી, 2 ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ચમચી ચિલી સોસ, 1 ચમચો સોયા સોસ, 1 ચમચો મેંદો, 3 ચમચા કોર્નફ્લોર, 1/2 ચમચી મરી પાઉડર, 1/2 ચમચી આદુંની પેસ્ટ, 1/4 ચમચી આજીનોમોટો, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ

રીત:

છીણેલું ગાજર, છીણેલી કોબીજ, છીણેલું ફ્લાવર, ક્રશ કરેલા વટાણા બધું જ ભેગુ કરી તેને દબાવી ને પાણી કાઢી નાખો. પછી તેમાં કોર્નફ્લોર, મેંદો, લીલી ડુંગળી, ઝીણા સમારેલા લીલા મરચાં, મીઠું અને એક ચપટી જેટલો આજીનોમોટો નાખી તેને હલાવીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાથી નાના નાના ગોળા વાળી લો. એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરીને બધાં ગોળાને ગોલ્ડન બ્રાઊન થાય ત્યાં સુધી ડિપ ફ્રાય કરો. હવે એક અલગ ફ્રાઈંગ પેનમાં 2 ચમચા તેલ મૂકી ઝીણું સમારેલું લસણ, લીલી ડુંગળી, આદુંની પેસ્ટ અને લાંબા સમારેલા લીલા મરચાં સાંતળી લો. ત્યારબાદ તેમાં પાણી, 1/2 ચમચી કોર્નફ્લોર, મીઠું, આજીનોમોટો, મરી, સોયા સોસ, ચિલી સોસ ઉમેરો અને ઉકળવા દો. થોડું ઘટ્ટ થવા દો. હવે ઘટ્ટ થયેલી આ ગ્રેવીમાં તળેલા ગોળા ધીમે ધીમે ઉમેરતા જાઓ. ફ્રાઈંગ પેનને ઢાંકીને 3થી 4 મિનિટ સુધી ચડવા દો. પછી તેને ગરમ ગરમ સર્વ કરો.

2. ઇડલી મંચુરિયન

સામગ્રી

8 ઈડલી, 1/2 કપ કોર્નફ્લોર, 1 1/2 કપ મેંદો, 1 1/2 ચમચી સોયા સોસ, 1/2 ચમચી આદું-લસણની પેસ્ટ, તેલ તળવા માટે

ગ્રેવીની સામગ્રી:

1 ડુંગળી, 4 લીલા મરચાં, 1 ટુકડો આદું, 1 શિમલા મરચું, 1/2 ચમચી સોયા સોસ, 1/2 કપ કોર્નફ્લોર, ઝીણી સમારેલી લીલી ડુંગળી

રીત

સૌથી પહેલા ઈડલીને નાના ટુકડામાં સમારી લો. હવે અન્ય બધી સામગ્રી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. મેંદો, કોર્નફલોર, આદું-લસણની પેસ્ટ, થોડું મીઠું અને પાણી. હવે ઈડલીના કટકાને આ ખીરામાં ડુબાડી તળી લો. ઈડલી તળીને તૈયાર કરો. હવે ડુંગળી, લીલા મરચા, આદુ અને શિમલા મરચાને બારીક સમારી લો. એક કઢાઈમાં 1 ચમચી તેલ નાખો અને તેમાં આ સામગ્રીઓ શેકી લો. ત્યારબાદ તેમાં 1/2 ચમચી સોયા સોસ મિક્સ કરી ઉપરથી ફ્રાય ઈડલી નાખો. હવે તેમાં કોર્નફલોર 2 કપ પાણી સાથે મિક્સ કરો. તેને ઉકાળી ગેસ બંધ કરી દો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.

3. મશરૂમ મંચુરિયન

સામગ્રી

250 ગ્રામ સફેદ તાજા નાના મશરૂમ, 1 ચમચી આદું-લસણની પેસ્ટ, 2થી 5 ચમચી કોર્નફ્લોર, 2 ચમચી મેંદો, 1 ચમચી સોયા સોસ, મીઠું સ્વાદ અનુસાર, 2 કપ પાણી, તેલ તળવા માટે

ગ્રેવી માટે
1 ચમચી લસણની પેસ્ટ, 1 કટકો આદું, 2 લીલા મરચાં, 1 ડુંગળી, 2 ચમચી લીલી ડુંગળી, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી ચિલી સોસ, 1 1/2 ચમચી ટોમેટો કેચઅપ, મીઠું સ્વાદ અનુસાર

4. પનીર મંચુરિયન

સામગ્રી

250 ગ્રામ પનીર, 3 ચમચી કોર્નફ્લોર, 1 ચમચી આદું-લસણની પેસ્ટ, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, 2 શિમલા મરચું, 1 બંચ લીલી ડુંગળી, 2 ચમચી સોયા સોસ, 2 ચમચી ટોમેટો સોસ, 3 લસણ, મીઠું સ્વાદ અનુસાર, 2 ચમચી તેલ, 1 કપ પાણી

રીત

એક બાઉલમાં 2 ચમચી કોર્નફ્લોર, આદું-લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, મીઠું અને 1/2 કપ પાણી મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટમાં પનીરના સમારેલ ટુકડા નાખી મિક્સ કરો. હવે ફ્રાયપેનમાં 1 ચમચી તેલ ગરમ કરો, તેમાં પનીરના ક્યુબ્સને ફ્રાય કરો અને જ્યારે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે પનીરને કોઈ પ્લેટમાં કાઢો. હવે પેનમાં 1 ચમચી તેલ નાખી ડુંગળી ફ્રાય કરો, ત્યારબાદ તેમાં લસણ, શિમલા મરચું, લીલી ડુંગળી અને મીઠું નાખી મધ્યમ આંચ પર રાંધો. ત્યારબાદ સોયા સોસ અને ટોમેટો સોસો નાખી 2 મિનિટ સુધી રાંધો. હવે અડધા કપ પાણીમાં 1 ચમચી કોર્નફ્લોર મિક્સ કરી પેનમાં નાખો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં પનીર મિક્સ કરો. તેને હળવા હાથથી હલાવો જેથી પનીરના ટુકડા તૂટે નહિ. થોડીવાર પછી ગેસ બંધ કરી લો.

5. કોબીજ મંચુરિયન

સામગ્રી

1 મીડિયમ કોબીજ, 1 ચમચી મકાઈનો લોટ, મીઠું સ્વાદ અનુસાર, 1 લીલું મરચું બારીક સમારેલ, 1 1/2 ચમચી આદુ પેસ્ટ, 1 1/2 ચમચી લસણની પેસ્ટ, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1/4 ચમચી આજીનો મોટો, 2 ચમચી સોયા સોસ, 2થી 3 ચમચી ટોમેટો કેચઅપ, 2 ચમચી તેલ

રીત

પાણીની મદદથી મેંદો, કોર્નફ્લોર અને મીઠું મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. એક ચમચી આદું અને લસણની પેસ્ટ મિક્સ કરો અને તેમાં કોબીજનાં ટુકડા બોળી ગરમ તેલમાં તળી લો. હવે એક બીજી કઢાઈ અથવા પેન લો અને તેમાં બચેલ આદું-લસણની પેસ્ટ મિક્સ કરો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને મરચું નાખી ફ્રાય કરો. હવે તેમાં આજીનોમોટો, સોયા સોસ અને ટોમેટો સોસ મિક્સ કરો. જ્યારે બધી સામગ્રીઓ સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેમાં તળેલી કોબીજ મિક્સ કરી લો. જ્યારે કોબીજમાં બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે સમજવું કે તમારું કોબીજ મંચુરિયન તૈયાર છે.

Recipe : DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!