“પિયત…” – આ ટૂંકી વાર્તા વાંચ્યા પછી તમને પણ સમજાઈ જશે કે આ કુદરતને પણ જગતના તાતની ચિંતા છે, આજે વાંચો ખેડૂતના જીવન વિશે આલેખાયેલી અદભૂત વાર્તા…

0

ટૂંકી વારતા : “પિયત…”
“વરસાદ બાદની આ મીઠી મહેક મને,તારી સુગંધ જેવી લાગે છે…
ટહુકતાને નાચતા મોરલા પણ જાણે,ઉછીનો રાગ તુજથી માંગે છે…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

અંગ્રેજી તેમજ ગુજરાતી મહિનાઓની ગણતરી પ્રમાણે કાયદેસર ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચૂકી હતી. ચોમાસાના પહેલા મહિનાના વિસ વિસ દિવસ વીતી ચૂકવા છતાં મેઘરાજા ના આગમનના કોઈ અણસાર હજી વાર્તાતા ન હતા. જે સમયે આકાશ કાળું ડિબાંગ અને વાદળોના ગઢથી ભરાઈ ગયેલું હોવું જોઈએ એ આકાશ એકદમ ભૂરું અને ચોખ્ખુ હતું. વડવાઓ કહેતા કે સુરી પવન વાય તોજ વરસાદ આવે બાકી બધી વાતો. પવનની ચાલ પણ વડવાઓ એ કહ્યા મુજબની ન હતી. વાતાવરણમાં વરસાદના ઉકળાટ ને બદલે હજી ઉનાળાની ગરમ લૂ હતી. ટૂંકમાં એકે તરફથી વરસાદના આગમનનાં કોઈ એંધાણ વાર્તાતા ન હતા. હવામાન વિભાગની બધી આગાહીઓ પણ આ વર્ષે સાવ પોકળ સાબિત થઈ હતી

માત્ર જગતના તાત એવા ખેડૂતોજ નહિ પણ બધાય લોકો ના મોઢે બસ એકજ વાત હતી…
“વરસાદ ક્યારે આવશે… હવે તો બાપલીયો મહેર કરે તો સારું. આપણી માણહ જાત માટેતો ઠીક પણ આ ગાયોના પૂને ય મેઘો મંડાય તો સારું…”

ગામના કેટલાક ભક્તિભાવ વાળા ભાભાઓ કહેતા કે…

“અલ્યા ખોટી ચિંતા મુકો એને જે ધારી હશે એ થાશે. આમાં આપણું થોડું ચાલે છે. આપણે ગમે એમ ચિંતા કરીશું તો પણ જે દિ એને આવવાનું હશે તે દિ જ એ આવશે. ભગવાન પર ભરોસો રાખો . સૌ સારા વાના થશે… અને આમ પણ જે વસ્તુ આપણાં હાથમાં ના હોય એની ખોટી ચિંતા ના કરવી. બધું ભગવાનને હવાલે કરવું…”

અને અષાઢ મહિનો ઉતરતા આકાશમાં મેઘરાજાની સવારી આવી પહોંચી. અસહ્ય ઉકળાટ માં શેકાતું આખું ગામ તોબા પોકારી ગયું હતું. રાત્રે વરસાદ પડવાનું શરૂ થયું. પણ આ શું…??? કડાકા ભડાકા સાથે શરૂ થયેલ વરસાદે માત્ર દસ પંદર મિનિટ માં જ વિદાય લઈ લીધી. દસ પંદર મિનિટમાં આખા ગામમાં પાણી પાણી થઈ ગયુ પણ આટલા વરસાદ થી ખેતરો ના ઢેફા પણ ભાગ્યા ન હતા. જેટલું પાણી વરસ્યું એતો આકરા ઉનાળાની તરસ છીપાવવાજ જાણે ધરતી માતાએ પોતાના ભીતર સમાવી લીધું. માંડ વેંત જેટલી જમીનજ પલડી હતી. જુવાર વાવવાનો સમય નીકળી રહ્યો હોવાથી અઘ્ધર મને ખેડૂતોએ ઓછા વરસાદ છતાં ખેતરોમાં જુવાર વાવી દીધી. એ પ્રથમ વરસાદ બાદ જાણે ભગવાન રિસાયો હોય એમ મેઘરાજા શી ખબર ક્યાં ચાલ્યા ગયા…!!! ચોમાસાની ઋતુ વીતી રહી હતી છતાં વરસાદના અભાવે એજ ગરમી ચાલુ હતી પણ વરસાદ આવવાનું નામ લેતો ન હતો. શ્રાવણ જેવો પવિત્ર મહિનો જે વરસાદ થી ઓર શોભી ઉઠતો એ આ વર્ષે ઓછા વરસાદથી સાવ લુખ્ખો લાગતો હતો. લોકો મંદિરોમાં વરસાદ થવા માટે ખૂબ પ્રાર્થનાઓ કરતા. વરુણદેવને રીઝવવા ઠેર ઠેર હવનો પણ થવા લાગ્યા. લોકોને સાક્ષાત અનુભવ થઈ ગયો કે કુદરત રૂઠે તો માણસ ક્યાયનો ના રહે…

ખેડૂતોએ ક મને પણ કપાસ એરંડા જેવા બીજા પાકો વાવી તો દીધા પણ એ પાકો સારા પાકસે એવો કોઈને વિશ્વાસ ન હતો. હવે તો લોકોએ આશા છોડીજ દીધી હતી પણ કેટલાક શ્રધ્ધાળુ લોકો હજી માનતા હતા કે…” પ્રભુ સૌ સારા વાના કરશે…”

ચોમાસાની ઋતુ વિતી રહી હતી અને છેક પ્રથમ વરસાદથી દોઢ મહિને બીજો વરસાદ થયો. વરસાદ તો થયો પણ કેવો…!!! ખાલી છુટાછવાયા ફોરા… એનાથી પાકને પાંચ સાત દિવસની રાહત થાય એમ હતી પણ વરસ પાકી જાય એવું કાઈ ન હતું.

હવે સરકાર પણ ચિંતિત હતી. દુષ્કાળના ડાકલા વાગી રહ્યા હતા. બિચારા જગતના તાત એવા ખેડૂતોને તો પડ્યા પર પાટુ હતું. એકતો ખાતર બિયારણ અને મજૂરીનો ખર્ચ અને ઉપરથી આગલા વર્ષે ધાન ખૂટી જશે એની ચિંતા. બધા ઇચ્છી રહ્યા હતા કે…
“હવે સરકાર આ નહેરમાં પાણી છોડે તો સારું. થોડું ઘણું પિયત કરી થોડો ઘણો પાક તો બચાવી શકાય…”
જો કે બધાનો બધો પાક તો કોઈ કાળે બચાવી શકાય એમ ન હતો.

અને આખરે સરકારે નહેરોમાં પાણી છોડવાનું શરૂ કર્યું. જેના જેના શેઢે નહેરો આવતી હતી એ ખેડુતો ખૂબ રાજી થયા પણ જેના નહેરો જેના ખેતરોથી દૂર હતી એમને તો કાળા પાણીએ રોવાનુજ હતું.

ગામના એક ખૂબ શ્રધ્ધાળુ ખેડૂતે પણ નહેર પર પમ્પ મૂકી પોતાના ખેતરમાં પિયત કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે આવતા પાણીથી દસેક વિઘા જમીન પાતા પુરા પાંચ દિવસ નીકળી ગયા. પિયત દરમિયાન શેઢે પોરો ખાવા ભેગા થયેલા ખેડૂતો વાતો કરી રહ્યા હતા કે…

“આ પાંચ પાંચ દા ડા થી મથીએ છીએ તોય હજી મન માને એવો ભેજ જમીનમાં બેસાડી શકાતો નથી…”

અને પછી આકાશ તરફ નજર નાખી એક ભાઈ બોલ્યા કે…
“આને માત્ર એકજ કલાકનું કામ હતું. જો આવી ગયો હોત ને તો સોળ આની વરસ પાકી જાત. એક સારા વરસાદ ના અભાવે આખી બાજી બગડી રહી છે…”

એક વૃદ્ધ ખેડૂત બોલ્યા…
“અલ્યા ભાઈ આપણે પિયત કરીએ આખો દા ડો મથીએ ત્યારે માંડ વિઘો એક પવાય, પણ જો દીનોનાથ રીઝે ને તો આખા નવખંડ લીલા કરી નાખે હો…”

ખેડૂતોનો આવો વાર્તાલાપ બાજુમાં બેઠેલો ખેડૂતનો સાતમું ભણતો છોકરો સાંભળતો હતો. એને ચાલી રહેલી વાતોમાં ઝાઝી કઈ સમજ પડતી ન હતી. બસ ખાલી એ સાંભલ્યે જતો હતો. એ ખેડૂતના ખેતરમાં પિયત પૂરું થયું. સર સામાન લઈ એ ભાઈ બપોરના ઘરે આવ્યા. કોઈ આશા કોઈ અણસાર ન હતા અને સાંજ પડતા પડતા આકાશે એનું આખું રૂપ બદલ્યું. વીજળી અને કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ. એકધારો એક કલાક મેઘો મનભરીને વરસ્યો. જાણે આખા ચોમાસાની રિષ કાઢતો હોય એમ. ચારે બાજુ પાણીજ પાણી. ખેડૂતોની ખુશીનો કોઈ પાર ન રહ્યો. બધા કહેવા લાગ્યા…

“વાહ મારા વ્હાલા… વાહ. જાતા જાતા તે તો જમાવટ પાડી દીધી. લાજ રાખી લીધી અમારી…”

બીજા દિવસે સવારે પિયત કરનાર એ ખેડૂત એના સાતમા ધોરણમાં ભણતા છોકરાને લઈને સીમમાં આંટો મારવા ગયા. આગલી રાતના વરસાદના કારણે આખું વાતાવરણ ખુશનુમા હતું. પ્રકૃતિની સુંદરતા ઓર વધી ગઈ હતી. ચારે તરફ ધરતી રેશમી અને પાણીદાર થઈ ગઈ હતી.પેલો નાનકડો છોકરો કે જેને આગલા દિવસે એક વૃદ્ધના મોઢે સાંભળેલ પિયતની વાત સમજાઈ ન હતી એ આજે કુદરતની મહેર રૂપ આ બધા સુખદ દ્રશ્યો જોઈ તરત સમજાઈ ગઈ કે…
“દિન આખો હું મથું તો, વિઘો માંડ પવાય.
પણ રીઝે જો દીનોનાથ,તો નવખંડ લીલો થાય…”

● POINT :-
કુદરત ની શક્તિ અને એની કૃપા ને સમજવી માણસ જાતના ગજા બહારની વાત છે. એ ધારે તો રાજાને રંક અને રંકને રાજા પળવારમાં બનાવી દે.

એ પણ સાચું કે જ્યારે મુશ્કેલી પડે ત્યારે આપણને ઈશ્વર યાદ આવે છે. આપણે સફળ થઈએ તો કહીએ છીએ કે મારી મહેનતથી હું સફળ થયો. ત્યારે આપણે ઈશ્વરનો આભાર નથી માનતા. પણ જેવા ક્યાંક ભીડમાં આવીએ એટલે તરત ભગવાન યાદ આવે છે અને બની જઈએ છીએ આપણે ભક્તિમય…

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’   (શંખેશ્વર)

રોજ આવી અમૂલ્ય ગુજરાતી વાર્તાઓનો ખજાનો વાંચવા માટે લાઈક કરો અમારું પેજ 

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here