“આવ તારું કરી નાખું” રિવ્યૂ

Movie Review- Aav Taru Kari Nakhu

વિઘ્નહર્તા પ્રોડક્શન્સની પ્રથમ ગુજરાતી ફિલ્મ “આવ તારું કરી નાખું” એ રિલીઝના બે થી ત્રણ દિવસમાં જ થિયેટર પર પકડ જમાવી છે. હાસ્યથી ભરપૂર એવી આ ફિલ્મ દર્શકોને મનોરંજન પૂરું પાડવામાં સફળ રહી છે. વર્ષોથી લોકોને પેટ પકડીને હસાવનાર કૉમેડીના ખરા અર્થમાં કિંગ એવા ટીકુ તલસાણિયાનો અભિનય આ ફિલ્મમાં પણ દર્શકોને હસાવી-હસાવીને લોથપોથ કરી નાખે છે તો તેમની સાથે હિન્દી ટેલિવિઝનમાં જાણીતું નામ મનીષા કનોજિયા પણ તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મમાં દર્શકોના દિમાગ પર છવાઈ જાય છે. આ સાથે ગુજરાતી ફિલ્મમાં પ્રથમ ડગ માંડનાર ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના લોકલાડીલા પુત્ર તથા પતિના રોલમાં અમર થયેલા એવા અમર ઉપાધ્યાયનો અભિનય વખાણવા લાયક છે તો સાથે-સાથે મોનલ ગજ્જર, આદિત્ય કાપડિયા, તન્વી ઠક્કર તથા તપન ભટ્ટે પણ પોતાના કિરદાર બખૂબી નિભાવ્યા છે . પ્રોડ્યુસર વિકાસ વર્મા તથા સની અગ્રવાલનું આ પ્રથમ ઉત્કૃષ્ટ પગલું છે. આગામી સમયમાં તેઓ ગુજરાતી ફિલ્મ- સિરિયલ સાથે હિન્દી ફિલ્મ-સિરિયલ નિર્માણ કરશે.

ફિલ્મની વાર્તા પિતા હસમુખભાઈ અને તેમના બે દીકરા દુષ્યંત તથા હિમાંશુની આસપાસ આકાર લે છે. હસમુખભાઈ એ પોતાની સ્વર્ગસ્થ પત્નીને આપેલા છેલ્લા વચનને પૂરું કરવા, પોતાના બંને દીકરાઓના લગ્ન કરાવવા માંગે છે. પરંતુ 21મી સદીમાં રહેતા દુષ્યંત અને હિમાંશુ લગ્ન કરવાની ચોખ્ખી ના પાડે છે. ઓ બીજી તરફ પોતાની પત્નીના અવસાન બાદ એકલવાયું જીવન જીવતા હસમુખભાઈ ની જિંદગીમાં તેમની કોલેજકાળની પ્રેમિકાનું પુન:આગમન થાય છે અને હસમુખ ભાઈ પોતે ઘોડે ચડવાના વિચારોમાં રાચવા લાગે છે. આ વાતની જાણ બંને દીકરાઓને થતા તે તેમના પિતાના મિત્રની સલાહ લઈને પોતાના પિતાના લગ્ન અટકાવવાની યોજનાઓ ઘડવા લાગે છે. શું હસમુખ ભાઈ પોતાના બંને છોકરાઓના લગ્ન કરાવે છે? શું હસમુખ ભાઈ પોતે લગ્ન કરે છે ? શું તેમના બંને દીકરાઓ પોતાના પિતાના લગ્ન અટકાવી શકે છે??? આવા કઈંક પ્રશ્નોના જવાબ માટે સંપૂર્ણ કોમેડી, એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ “આવ તારું કરી નાખું” જોવી જ રહી.

હિન્દી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં જાણીતા તપન એ. ભટ્ટના કોમેડી સંવાદો તથા રાહુલ મેવાવાલાનું ડિરેક્શન પસંદ આવે તેવું છે. ફિલ્મમાં કુલ 4 ગીત છે જેમાંથી શાનના અવાજમાં ગવાયેલું ટાઇટલ ટ્રેક તમે રિપીટ મોડ પર સાંભળ્યા કરશો તેની ગેરંટી છે તો ટીકુ તલસાનિયા તથા મનીષા કનોજિયા પર ફિલ્માવાયેલું 1 ગીત રેટ્રોનો જમાનો યાદ કરાવી દેશે.

ઓવરઓલ આખા પરિવાર સાથે મળીને જોઈ શકાય તેવી હળવીફૂલ પ્રકારની ફિલ્મ એટલે કે “આવ તારું કરી નાખું” દરેકે પોતાના પરિવાર સાથે મલ્ટીપ્લેક્સમાં જોવી જ રહી.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!