ગાંધીજન્મ જયંતિના 150માં વર્ષે..: ‘દાંડીકુચ’ના પગલે બુનિયાદી શિક્ષણની કેડીએ ‘ગાંધીકુચ’

0

ગાંધી એક વ્યક્તિ નહીં આજે વૈશ્વિક વિચાર છે. વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શોએ મહાત્મા ગાંધી વિશે કહ્યું હતું કે, “ આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેય આ સંસારમાં મહાત્મા ગાંધી જેવું વ્યક્તિત્વ ધબકી રહ્યું હતું. આધુનિક સ્વતંત્ર ભારતના પિતા, નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્યવિધાતા એવી ઘણી વિવિધતાઓ લઈને એક નોખી માટીનો એ માનવી આ દેશમાં જન્મ્યો હશે.’’ દેશવિદેશની યુનિવર્સીટી જ્યારે ગાંધીવિચારોને પોતાના અભ્યાસક્રમમાં સમાવેશ કરતી હોય, આપણા દેશમાં સામાન્યરીતે જોવા મળે એવા ગાંધીચોક, ગાંધી લાઈબ્રેરી કે ગાંધીજીના સ્ટેચ્યુ વિદેશમાં પણ જોવા મળે ને ગાંધી નામ સાથે એ વિદેશી તત્વચિંતકો ને અભ્યાસુઓની આંખ ભીની થઈ જાય ત્યારે એ કહેવું બહુ મુશ્કેલ છે કે ગાંધીજી માત્ર એક ભારતિય હતા. વ્યક્તિ પોતાના જન્મ, ધર્મ કે કૂળથી નહીં કર્મથી મોટો થતો હોય છે…ગીતાજીમાં શ્રીકૃષ્ણ દ્વારા કહેવાયેલી આ વાતને ગાંધીજીએ જીવી બતાવી છે.

કોઈને એક દલીલ એવી પણ કરવી ગમે કે ગાંધીવિચાર અને મૂલ્યો હવે તો 150 વર્ષ જૂના થઈ ગયા છે. નવો સમય, બદલાતો સમય એટલે બદલાતી લાઈફ સ્ટાઈલ, બદલાતા વિચારો એમાં ગાંધીવિચારોને અનુસરીને શું ફાયદો ? આ પ્રશ્નનો જવાબ આપે છે સ્ટીવ જૉબ્સ. સ્ટીવ જૉબ્સ એટલે આ યુગનું એક મોંઘેરું નામ કે જેના થકી ટેક્નોલોજીમાં નવી ક્રાંતિ આવી છે. સ્ટીવ જૉબ્સે 1990ના દાયકામાં એપલનું જગજાણીતું ‘થીંક ડિફરન્ટ’ એડવર્ટાઈઝિંગ કૅમ્પેન શરું કર્યું ત્યારે એણે મહાત્મા ગાંધીજીનો રેટીંયો સાથેનો ફોટોગ્રાફ પસંદ કર્યો હતો, જેના પર ‘થીંક ડિફરન્ટ’ ઉપરાંત ‘બી ધ ચેન્જ યુ વીશ ટુ સી ઈન ધ વર્લ્ડ’ એવું મહાત્મા ગાંધીજીનું અવતરણ હતું. વિદ્વાનો કહે છે અને દ્રઢપણે એવું માને છે કે આવનારા સમયમાં માણસ વધુને વધુ એકલો પડતો જશે અને એ એકલવાયાપણાથી ઝઝૂમવા એમને ગાંધીવિચારો હિંમત આપશે.

બુનિયાદી શિક્ષણ. ગાંધીજીને અત્યંત પ્રિય એવો વિચાર. એક એવું શિક્ષણ જેમાં હ્રદય, હાથ અને મસ્તિષ્ક ત્રણેયનો સમન્વય હોય. માત્ર થિયરીબેઝ નહીં પણ પ્રેક્ટિકલ શિક્ષણ. મહાત્મા ગાંધીજી બુનિયાદી શિક્ષણના હિમાયતી હતા. આર્યભટ્ટ, શ્રીધર, પાણિનિ, ચાણક્યકૌટિલ્ય, બ્રહ્મગુપ્ત, કણાદ, વરાહમિહિર, ભાસ્કર, ચરક, સુશ્રુત, બ્રહ્મદેવ, શ્રીપતિ, નીલકંઠ સોમયાજી વગેરે જેવા વિદ્વાનો-વિચારકો-વિજ્ઞાનીઓના વિચારો અને કાર્યોને સાંકળી લેતું આ બુનિયાદી શિક્ષણભારતની એક આગવી ઓળખ હતી. દુર્ભાગ્યે જ્યારે ભારત પર અંગ્રેજી હકુમત સ્થપાઈ ત્યારે અંગ્રેજ સરકારે જોયું કે ભારતીય શિક્ષણ વ્યવસ્થા અને અંગ્રેજી શિક્ષણ વ્યવવસ્થા જુદી છે. બ્રિટિશહિંદના ગોરા લાટસાહેબોને તેમના વહીવટી કામકાજમાં મદદરૂપ થઇ શકે તેવા ‘શિક્ષિત’ તેમજ અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા બાબુઓની આવશ્યકતા હતી,એટલે થોમસ મેકુલેએ સૂચવેલી પ્રાથમિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ આપણે ત્યાં 1838માં દાખલ કરાઇ. ઓગસ્ટ, 1947માં અંગ્રેજોની વિદાય લીધી ત્યારે તેમની શિક્ષણ પ્રથા ફગાવી દઇને બુનિયાદી તાલીમની મૂળ ભારતીય સિસ્ટમ જરૂરી ફેરફારો સાથે અમલમાં મૂકવાની જરૂર હતી. પરંતુ એમ ન બન્યું. બુનિયાદી શિક્ષણ આજે ઘણા બધા અંશે હાંસિયાની બહાર ધકેલાતું રહ્યું છે.

મહાત્મા ગાંધીજીના મતે સાચી કેળવણી એટલે વ્યક્તિને સ્વાવલંબી જીવન આપી શકે એ. બુનિયાદી શિક્ષણ વિદ્યાર્થીના જીવનની બુનિયાદી બાબતોને પોષવાનું કામ કરે છે. બુનિયાદી શિક્ષણ સાથે સાદાઈ, સ્વાધ્યાય, શ્રમ શિક્ષણ, સમભાવ, સમુહ જીવન, સ્વાશ્રય, માતૃભાષામાં અભ્યાસ, પ્રકૃતિ સાથેનો સીધો સંબંધ, દીવાલોની બહાર થતું અધ્યયન કાર્ય, દરેક કાર્યની ભાગીદારી અને ગૃહકાર્ય જેવી બાબતો જોડાયેલી છે. લોકભારતી સણોસરાના નિયામક શ્રી પૂજ્ય અરૂણભાઈ દવે દ્વારા મેળવેલી માહિતી મુજબ બુનિયાદી શિક્ષણ એટલે કે નઈ તાલિમનો રાજમાર્ગ બનાવનાર અને ગાંધીજીની નઈ તાલીમને દેશમાં સૌપ્રથમ વખત વ્યવહારમાં સફળ બનાવનાર ઋષિવર્ય કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે 1938માં આંબલા ખાતે ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થામાં બાળમંદિરથી માધ્યમિક સુધીના શિક્ષણનો નમૂનો આપ્યો. 1953 માં સણોસરા ખાતે લોકભારતી સંસ્થામાં દેશની સર્વપ્રથમ ગ્રામવિદ્યાપીઠ સ્થાપીને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ નઈ તાલીમનો સફળ પ્રયોગ વિશ્વ સમક્ષ મુક્યો. સમગ્ર દેશમાં કાર્યરત બુનિયાદી સંસ્થાઓમાંથી 90 % સંસ્થાઓ તો માત્ર ગુજરાતમાં અને એમાં પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ધબકી રહી છે.

ઈ.સ. 1930 માં અંગ્રેજોએ મીઠા પર કર લગાવ્યો ત્યારે મહાત્મા ગાંધીજીએ એ કાયદાનો સવિનય ભંગ કરવા દાંડીકુચ કરેલી. ઈતિહાસમાં એ હથિયાર વિનાના સત્યાગ્રહીઓના મજબૂત મનોબળ, ગામોગામ ગાંધીજીની આગતાસ્વાગતા માટેનો જનજનનો ઉમળકો, સમગ્ર દેશવાસીઓની ગાંધીમુલ્યો પ્રત્યેની શ્રધ્ધા, દાંડીયાત્રા માટેની કેડીએ કેડીએ સિંચાયેલા ગાંધી વિચારો અમર થઈ ગયા. ગાંધીજી પોતાના પદયાત્રાના અનુભવત ટાંકતા કહે છે કે પદયાત્રા દરમિયાન એમણે એક નવું ભારત જોયું, ગામડાઓને નવી નજરથી નવી સુગંધથી અનુભવ્યા, દરેક પ્રશ્નો અને ઉમળકાને નજરોનજર નિહાળ્યા. કદાચ એ ક્ષણેથી નવી ક્રાંતિ ને બદલાતા સમયના એંધાણનો જન્મ થયો. પદયાત્રા છેવાડાને માણસના છેલ્લામાં છેલ્લા નાનામાં નાના પ્રશ્ન સુધી પહોંચાડી શકે છે.

ગાંધીજન્મ જયંતિને 150 વર્ષની દેશભરમાં ચાલી રહી છે ત્યારે કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ ગાંધીમૂલ્યોને માર્ગે પદયાત્રાનો સંકલ્પ કર્યો. જેને ‘ગાંધીકુચ’નું રૂપકડું નામ અપાયું છે. સૌરાષ્ટ્રમાં આવેલી બુનિયાદી સંસ્થાઓને જોડતી સાત દિવસની આ પદયાત્રા એક નવી ગાંધીહવા પ્રસરાવશે એવો દ્રઢ વિશ્વાસ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના આ વિચારને વધાવી લીધો. તાજેતરમાં યુનેસ્કોએ આદર્શ શિક્ષણ પ્રણાલી વિશેનું એક તારણ પત્ર બનાવ્યું જેમાં કુલ 22 જેટલા વિચારોનું નિરૂપણ કરાયું જેના થકી શિક્ષણને શ્રેષ્ઠ અને આદર્શ લેખી શકાય. એક ભારતીય તરીકે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે 22 વિચારોમાંથી 18 જેટલા વિચારો એ બુનિયાદી શિક્ષણ સાથે જોડાયેલા એવા વિચારો છે જે મહાત્મા ગાંધીજીએ રજૂ કર્યા હતા ને સદાય એ વિચારોની તરફેણમાં હતા. કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા પોતે બુનિયાદી સંસ્થાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે એથી બુનિયાદી સંસ્થાઓને જોડતી પદયાત્રાનો એમણે સંકલ્પ કર્યો. સૌરાષ્ટ્રના આંબલા, વાળુકડ, શેત્રુજી ડેમ, માનપુર, ઝાંઝમેર, દુધાળા, માઈધાર, મણાર, હાથબ, કળસાર,બોરડા, ભાદ્રોડ, સમઢિયાળા, નવા લોઈચડા જેવા વિસ્તારોમાં આવેલી બુનિયાદી સંસ્થાઓને જોડતી આ પદયાત્રા તળાજા,પાલીતાણા અને શિહોર આ ત્રણ વિસ્તારના પથ પર 35 ગામો સહિત અન્ય 150 ગામોને જોડશે.

ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થા મણાર મુકામે 16 જાન્યુઆરી 2019 થી પ્રારંભ થનારી આ પદયાત્રા લોકભારતી સણોસરા ખાતે 22 જાન્યુઆરી 2019 એ પૂર્ણ થશે. સાત દિવસની આ પદયાત્રામાં મહાત્મા ગાંધીજીની 11 મહાવ્રતોના આધારે 11 સ્થળો પર 11 મહાવ્રત સભાનું આયોજન થશે જેમાં દેશના શ્રેષ્ઠ વક્તાઓની હાજરી હશે. 150 જેટલા ગાંધીમૂલ્યોને વરેલા ખાદીધારીઓ, દેશના અગ્રણ્ય રાજકારણીઓ, ઉદ્યોગપતિ, ગાંધીસંસ્થાઓના કાર્યકર્તાઓ, સાહિત્યકારો અને વિદ્યાર્થીઓ જોડાવવાના છે. સમગ્ર દેશમાંથી ગાંધીપ્રેમીઓને આ પદયાત્રામાં જોડાવવા માટેનું ખુલ્લુ આમંત્રણ અપાયું છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં અત્યારે જાણે કે ઉત્સવ જેવો માહોલ છે. દરેક ગામના લોકો આ પદયાત્રાને શણગારેલા બળદગાડા, ઢોલ નગારા ને સામૈયાથી વધાવવા માટે અધીરા છે. ગામોગામ ગાંધી સભાનું આયોજન થશે અને ગાંધીવિચારોને વરેલી આ પદયાત્રા તદ્નન સાદાઈથી, કોઈ રાજકીય આદર્શો કે પાર્ટીને વરેલી નહીં પણ ગાંધીને વરેલી હશે એની પૂરો વિશ્વાસ જનજનને છે. દાંડીયાત્રા સમયે લોકોનો ઉત્સાહ વાંચ્યો છે, ફિલ્મોમાં અને ડોક્યુમેન્ટ્રી ફોટોગ્રાફ્સમાં અહોભાવથી જોયો છે ફરી વખત એ ઈતિહાસ દોહરાઈ રહ્યો છે. ‘Mai_Bhi_Mohan’ના સૂત્રને લોકો સોશિયલ મિડિયા પર રાજીપો બતાવી રહ્યા છે, ઓનલાઈન www.gandhi150padyatra.in વેબસાઈટ પર લોકો જે રીતે વધુને વધુ સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને આ પદયાત્રામાં ભાગ લેવા ઉત્સાહી છે એ જોઈને લાગે છે કે આ પેઢીને પણ ગાંધી પદયાત્રાનો ભવ્ય નજારો જીવંત જોવાનો લ્હાવો મળશે.મહાત્મા ગાંધીજીના 150 વર્ષની જન્મજયંતિએ એમને અર્પણ થતી આ પદયાત્રાંજલી છે…ગાંધી મુલ્યોના માર્ગે પ્રયાણ કરતી આ પદયાત્રામાં સૌ કોઈને ખુલ્લા દિલે કોઈ પ્રકારના ભેદભાવ વિના ખુલ્લુ આમંત્રણ છે…આવો ગાંધીમુલ્યોના માર્ગે જોડાઈએ…જાણીએ અને અનુભવીએ !

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here